અસત્ય સામે સત્યનો વિજય

          નમસ્તે મિત્રો આજે આપણે આપણા સાંસ્કૃતિક વારસામાં હોળી વિશે વાત કરવાના છીએ...

    હોળી : આ એક ભારતીય તહેવાર છે જે વસંતઋતુ માં ઉજવવામાં આવે છે, અને હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે.
       રંગોનો તહેવાર એટલે હોળી - ધુળેટી જે બે દિવસ
મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે હોળીકા નું દહન કરવામાં આવે છે અને બીજા ધુળેટી એટલે કે રંગ ગુલાલ એક બીજાને છાંટવામાં આવે છે અને આનંદ ઉલ્લાસથી આ દિવસ દરેકનો પસાર થાય છે...એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે પૂતના નો વધ પણ કરેલ આથી ગોકુળમાં પણ આ દિવસે રંગ ગુલાલ થી ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસે પ્રકૃતિ પણ સાથ આપે છે, વૃક્ષો લીલાછમ, કેસુડા ની કળીઓ, ધરતી પણ આ રંગમાં ભીંજવવા માંગે છે એવું દેખાય છે.

         કેટલીક દંત કથા અનુસાર હું તમને અહી પ્રાચીન સમયની એક કથા રજૂ કરું છું ખૂબ મજા આવશે તમે અંત સુધી એને વાંચજો, તો ચાલો વિગતવાર જોઈએ.

         પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામે એક બાહુબલી અસુર રહેતો હતો, એ એવું માનતો કે હું જ પૃથ્વી પર સર્વસ્વ સ્વયંભૂ ઈશ્વર છું, આથી એને પોતાના રાજ્યમાં ભગવાનનું નામ લેવાની મનાઈ ફરમાવેલી, અને કહ્યું કે જો તમારે રટણ કરવું જ હોય તો હું જ ભગવાન, ભગવાન હિરણ્યકશ્યપ મારું જ નામ તમારે ભજવવાનું...

         પણ એના જ પુત્ર ભક્ત પ્રહલાદ નું સર્વસ્વ તો તેના વિષ્ણુ ભગવાન હતા, અંતે એના પિતાજી ને આ વાતની ખબર પડી કે મારો પુત્ર મારું નહિ પણ મારા દુશ્મનનું રટણ કરે છે, આથી પ્રહલાદ પોતાનો દીકરો હોવા છતાં તેને મારી નાખવાના ઘણા બધા કાવતરા પણ કર્યા, પણ મિત્રો કહેવાય છે ને કે " જે મારા રામના શરણે હોય ને એનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે " ને ભક્ત પ્રહલાદ તેના અસંખ્ય કાવતરા ઓથી બચી જતો અને હિરણ્યકશ્યપ અસફળ રહ્યા.

           એક દિવસ મહેલમાં બેઠા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે મારી બહેન હોળિકાને વરદાન છે કે તે અગ્નિમાં પણ બળી શકે નહિ એટલે કે અગ્નિ પણ તેના શરીરને અડકી શકે નહિ, આથી તેને પોતાના બહેન હોળીકા ને બોલાવી અને પ્રહલાદ સાથે અગ્નિસ્નાન કરી તેને મારી નાખવાની વ્યૂહરચના ઘડી. એના બીજા દિવસે વ્યૂહરચના પ્રમાણે હોળીકા તૈયાર થઈ ને આવી જાય છે, મહારાજની આજ્ઞાથી પ્રહલાદને પણ બોલાવવામાં આવે છે, પિતાશ્રી ની આજ્ઞાનું પાલન કરી પ્રહલાદ તેની હોળીકા ફોઈ સાથે લાકડાના ખડકેલા ઢગ પર બેસી જાય છે, હિરણ્યકશ્યપ ની આજ્ઞાથી અગ્નિ પ્રગટાવવામાં આવે છે, અગ્નિએ પોતાનું વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યાં અંદર થી હોળીકા નો બચાવ બચાવ કરતો અવાજ આવ્યો, બધા જુવે છે જેને ભગવાન નું વરદાન હતું કે અગ્નિ તેને સ્પર્શ પણ નહિ કરી શકે, તે સામે બળી રહી છે, બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા કે માનો આમાં ભગવાન નું કંઇક કારસ્તાન છે, મિત્રો હોળીકા તો બળીને ખાખ થઈ ગઈ અને વિષ્ણુ ભક્ત પ્રહલાદ બચી ગયો....
        હું ફરી એક વાત જરૂર દોહરાવવા માંગીશ કે
" જેના માથા પર મારા ધણી- ઈશ્વર નો હાથ હોય ને એનો દુશ્મન કે કાળ પણ કંઈ જ ના ઉખાડી શકે "

આથી મિત્રો તને જો ઈમાનદારી, સત્યતા, ન્યાયપ્રિય બનશો તો ભલે તમને સફળતા કે વિજય મેળવવામાં વિલંબ થાય પણ એ સફળતામાં જે અંતરમન નો આનંદ થાય છે ને તે સાક્ષાત પ્રભુ ભજન છે.

      આથી અન્યાયી, અધર્મી, અપ્રિય, અસુર બનશો નહિ, નહિ તો હોળીકા જેવી દશા થશે. આજે પણ આપણી સંસ્કૃતિને જાળવવા માટે લાકડાં રૂપી હોળીકા ને સળગાવવામાં આવે છે અને પ્રહલાદ રૂપી વિજય આનંદ આપણા સૌના ચહેરા પર જોવા મળે છે.

" અહંકારથી ભરી આ દુનિયામાં પ્રભુ અલંકાર બની આવશે, અસ્ત્યની દુનિયામાં પણ સત્યનો ડંકો વગાડશે. "

" ઈશ્વરની કૃપા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તમે સત્યની  સાથે હોય સાહેબ!  અસત્ય એતો માત્ર ક્ષણિક સુખ છે. "

યુટ્યુબ વિડીઓ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇👇👇

https://youtu.be/KD-VSdm8mjk

       
       

ટિપ્પણીઓ